CSKના સ્ટાર ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ(TUSHAR DESHPANDAY) લગ્ન કરી લીધા છે. IPL 2023માં શાનદાર પ્રદર્શન બાદ તુષારે જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. તુષારે તેની ગર્લફ્રેન્ડ અને બાળપણના મિત્ર નાભા ગદ્દમવાર સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની ફોટો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. તુષારદેશ પાંડેના લગ્નમાં ચેન્નઈનો સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે તેની પત્ની અંજુમ ખાન સાથે જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ફોટોમાં શિવમ દુબે અને અંજુમ ખાન સ્ટેજ પર તુષારદેશ પાંડેની બાજુમાં ઉભા છે.
નાભા તેના સ્કૂલ ક્રશથી મંગેતર બની હતી
અગાઉ સગાઈની ફોટોસ શેર કરતી વખતે, તુષારે કહ્યું હતું કે નાભા ગદ્દમવાર તેના સ્કૂલ ક્રશથી તેની મંગેતર બની ગઈ છે. જો કે હવે બંનેએ સાત ફેરા લીધા બાદ કાયમ માટે એકબીજાનો હાથ પકડી લીધો છે. નાભા IPLમાં અનેક પ્રસંગોએ સ્ટેન્ડ પરથી તુષારને સપોર્ટ કરતી જોવા મળી હતી. નાભા ગદ્દમવાર એક ચિત્રકાર છે અને તે ગિફ્ટ પણ ડિઝાઇન કરે છે. તેનું એક ઇન્સ્ટાગ્રામ પેજ છે જ્યાં તે તેના પેઇન્ટિંગ્સ અને અન્ય કામના ચિત્રો શેર કરે છે.
IPL 2023માં ચેન્નઈ માટે સૌથી વધુ વિકેટ લીધા હતા
તુષાર દેશપાંડે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 16 મેચમાં 26.86ની એવરેજથી 21 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 9.92ની ઈકોનોમી સાથે રન ખર્ચ્યા હતા. ચેન્નઈએ તુષારને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તુષારે તેના IPL કરિયરમાં અત્યાર સુધીમાં 23 મેચ રમ્યા છે, જેમાં તેણે 32.76ની એવરેજથી 25 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 10.13ની ઈકોનોમી સાથે રન ખર્ચ્યા છે. તુષારે વર્ષ 2020માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું.