સુરત શહેરના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ખાતાના ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ઘસી પડવાની ઘટનામાં એક શ્રમિકના મોત બાદ ઉધના પોલીસે પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતા ઉધના પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં અન્ય ત્રણ શ્રમિકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.
સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓ પ્રતાપે ઉધના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. ગેરકાયદેસર બાંધકામ પાછળ અધિકારીઓ અને બિલ્ડરોની મિલી ભગતના કારણે ગેરકાયદેસર બાંધકામોએ માઝા મૂકી છે. જેના પાપે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. આવી જ કંઈક ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની હતી.
ગતરોજ સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ખાતાના બીજા અને ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ધસી પડવાના કારણે ચાર જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા. જે ઘટનામાં ચંદુ સંગાડા નામના શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.જે સીસીટીવી ફૂટેજમાં પણ ચણતર દિવાલ સાથે ધડાકાભેર સાથે નીચે પટકાયેલા શ્રમિકો કેદ થયા હતા. આ સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસે ઇજાગ્રસ્તો પૈકીના એકની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી.
ઉધના પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર દ્વારા આ સંપૂર્ણ બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, પરંતુ પ્લોટ માલિક ભુપેન્દ્ર સોલંકી દ્વારા બાંધકામ અંગેનો કોન્ટ્રાક્ટ નિલેશ પરમારને આપવામાં આવ્યો હતો. ચાલુ બાંધકામ દરમિયાન કામ કરતા શ્રમિકોની કોઈપણ સુરક્ષા વિના કામ લેવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં પરંતુ લેબર-લોના અધિનિયમોનું પણ અહીં કોઈપણ પ્રકારે પાલન કરવામાં આવ્યું નહોતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતા સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં હાલ ઉધના પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર અને પ્લોટ માલિક ભુપેન્દ્ર સોલંકીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
બીજી તરફ પોલીસની તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે પ્લોટ માલિક ભુપેન્દ્ર સોલંકીને એક મહિના અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આ ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત ભુપેન્દ્ર સોલંકી દ્વારા માત્ર ગ્રાઉન્ડ પ્લસ એક માળના બાંધકામની પરવાનગી મેળવવામાં આવી હતી. જેની સામે નિયમો વિરુદ્ધ જઈ આ બાંધકામ થોપી બેસાડવામાં આવ્યું હતું. જેના કારણે આ દુર્ઘટનામાં નિર્દોષ શ્રમિકનો ભોગ લેવાયો હતો.
બીજી મહત્વની બાબત એ સામે આવી છે કે જે ઈમારત ઉપર ગ્રાઉન્ડ પ્લસ એક માળની પરવાનગી મેળવવામાં આવી છે, તે બાંધકામ પહેલાથી જ વર્ષો જુની હાલતમાં છે. જેથી પ્લોટ માલિક દ્વારા કાગળ પર ગ્રાઉન્ડ પ્લસ એક માળનું બાંધકામ કરવાનું છે તેમ કહી આ પરવાનગી મેળવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર બાબત પણ એક તપાસમાં વિષય બની રહે છે.
આ દુર્ઘટનામાં સુરત મહાનગરપાલિકાના જે તે સંબંધિત વિભાગના અધિકારીઓ પણ તેટલા જ જવાબદાર છે. કારણ કે જે તે સમયે જો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું તે સમયે નોટિસ પાઠવવાના બદલે જો બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના બનતા રહી ગઈ હોત. પરંતુ સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓએ માત્રને માત્ર નોટિસ પાઠવી સંતોષ માણી લેતા અંતે ભોગ નિર્દોષ શ્રમિકો બન્યા છે. જેથી આ ઘટનામાં પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર પાલિકાના અધિકારીઓ પણ છે. જેથી આ સમગ્ર ઘટનાની અંદર સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના જે તે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જરૂરી બની પડે છે.
whatsapp group please click below link nbmn
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
બુટલેગર સાથે સાંઠગાંઠ હોય તેવા 15 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી
World Cancer Day: દેશમાં માત્ર એક વર્ષમાં 14 લાખ લોકોને થયું કેન્સર, આ છે કારણ