@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
“ઉજવણી…ઉજ્જવળ ભવિષ્યની”થીમ પર તા.12 થી 14 જૂન દરમિયાન રાજ્યનો 18 મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. શાળા પ્રવેશોત્સવના ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન આંગણવાડી(Anganwadi), બાલવાટિકા તેમજ ધોરણ-1માં ભૂલકાંઓને મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાશે ત્યારે આંગણવાડીઓમાં બાળકોને પ્રવેશ મેળવવા માટે અપીલ કરતા જિલ્લા આઈ. સી. ડી. એસ. પ્રોગ્રામ ઓફિસર કલ્પનાબેન શુક્લ જણાવે છે કે, 3 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ અપાવી શકાય છે. આંગણવાડી કેન્દ્રો પર આપવામાં આવતા પોષણક્ષમ આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં કારણે બાળકનો સર્વાંગી વિકાસ કરવામાં મદદ મળે છે. જિલ્લામાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ જે- તે સંબંધિત તાલુકા આઈ.સી.ડી.એસ. ઘટક કચેરીની મુલાકાત લઈ શકશે.
વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ
Anganwadi કેન્દ્રોમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમાં, બાળકોને આંગણવાડીની સ્વચ્છતા રાખવા અંગેનું ગીત ગવડાવવું, પ્રાર્થના સમારોહ, બાળકોને દરરોજ વાર પ્રમાણે ગરમ નાસ્તો આપવામાં આવે છે. તેમજ બાળકોને મુક્ત ચર્ચા માટે વાતાવરણ પૂરું પડાય છે. આ ઉપરાંત, બાળકોને સ્વચ્છતા રાખવા માટે સમજણ અપાય છે. બપોરે બાળગીત સ્પર્ધા, રમત-ગમત સેશન, સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા વાલીઓની મુલાકાત લઈ, તેમને આંગણવાડી કેન્દ્રો પર ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિષે માહિતગાર કરવામાં આવે છે. દરરોજ બાળકોની પ્રગતિનું ફોલો- અપ લેવામાં આવે છે.
રોજ મનગમતું પોષણક્ષમ ભોજન મળે, આંગણવાડી કેન્દ્ર મમ્મી મને બહુ ગમે
Anganwadi કેન્દ્રો પર બાળકોને દરરોજ વિવિધ પ્રકારનો સ્વાદિષ્ટ નાસ્તો અને ભાવતા ભોજનિયાં પીરસવામાં આવે છે. સ્વાદ સાથે બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે વાર મુજબ વિવિધ પ્રકારનાં પોષકતત્વો બાળકોને મળી રહે તે સુનિશ્ચિત થાય તેમ આરોગ્યપ્રદ ખોરાક આપવાનું મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં, સોમવારે સુખડી અને ફળ, બપોરે લીલી ભાજી, દૂધી વાળી ભાખરી, થેપલા અને તુવેરદાળનો લચકો અપાય છે. મંગળવારે વેજીટેબલ પુલાવ, શાક અને બપોરે લીલી ભાજીના વઘારેલાં મુઠીયા અને વઘારેલા મસાલા ચણા, બુધવારે શિરો, ભાત, તુવેરદાળનો લચકો અને શાક અપાય છે. બાળકોને ગુરુવારે લીલી ભાજીના વઘારેલાં મુઠીયા, બપોરે વેજીટેબલ પુલાવ અને વઘારેલા ચણા, શુક્રવારે શિરો, સુખડી અને બપોરે દૂધીના ઢેબરાં અને વઘારેલા ચણા અપાય છે. જ્યારે શનિવારના ફાડા લાપસી, ગળ્યા પુડલા, તીખી ભાખરી અને બપોરે વઘારેલા ઢોકળા અથવા ઈડલી પીરસવામાં આવે છે.
ભૂલકાંઓના કલરવથી ગુંજી ઉઠશે આંગણવાડી પ્રાંગણ
જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાઓ પ્રવેશ મેળવે તે હેતુથી દરેક વિવિધ ઘટકોમાં ઢોલ નગારા, રેલી કાઢી ગીતો ગાવા, બાળકો દ્વારા બનાવવામાં આવેલ આંમત્રણ કાર્ડ ગામના આગેવાનોને આપવા જેવી પ્રવૃતિઓ તેમજ યોજનાકીય સંદેશા સાથે ગામની શેરીઓમાં સુત્રોચાર કરીને આંગણવાડી પ્રવેશોત્સવનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 12 થી 14 જૂન આંગણવાડી પ્રવેશોત્સવ દરમિયાન ભૂલકાંઓના કલરવથી આંગણવાડી પ્રાંગણ ગુંજી ઉઠશે. ત્યારે પ્રવેશોત્સવ આ પ્રસંગે નાના ભૂલકાઓને શણગારેલા ઊંટ ગાડી, બળદ ગાડું, રિક્ષામાં બેસાડી આંગણવાડી કેન્દ્રો સુધી લાવવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લાના 1348 Anganwadi કેન્દ્રોમાં 7632 જેટલા ભૂલકાઓ પ્રવેશ મેળવશે
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આગામી તા. 12 થી 14 જૂન દરમિયાન તમામ આંગણવાડી કેન્દ્રોમાં ‘આંગણવાડી પ્રવેશોત્સવ- 2023’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા જિલ્લાના 13 ઘટકોમાં વહેંચાયેલા 1348 આંગણવાડી કેન્દ્રોમાં જૂન- 2023 સુધીમાં કુમાર -3,977 અને કન્યા 3,655 એમ કુલ 7,632 જેટલા બાળકોને પ્રવેશ અપાવવામાં આવશે.
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ