@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
સમગ્ર વિશ્વમાં ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજનાર છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અંબાજી ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ભક્તિવન ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો પણ પર્યાવરણલક્ષી વિવિધ કાર્યક્રમોનાં આયોજન સાથે આ ઉજવણીમાં સહભાગી બની રહ્યા છે. વઢવાણ તાલુકાનું કટુડા ગામ પણ આ ઉજવણીમાં સહભાગી બનવા થનગની રહ્યું છે.
ગામના અગ્રણી પ્રકાશભાઈ રાવલે આ આયોજન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, અમારા કટુડા ગામમાં આવેલા ૧૦૦ વર્ષ જૂના પૌરાણિક તળાવમાં જીર્ણોધ્ધારની કામગીરી શરૂ કરવામાં આવી છે. તળાવ અને તેની આજુબાજુ આવેલા બાવળો દૂર કરી તળાવને ઉંડુ કરવામાં આવી રહયું છે. આ કામ ગામલોકો અને અર્થ એન.જી.ઓ. ટ્રસ્ટ ગ્રેટર નોઈડાનાં સહયોગથી કરવામાં આવી રહયું છે. આ તળાવમાંથી બાવળો દૂર કરી તેમાં વિશ્વ પર્યાવરણ દિવસે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ તળાવ અંદાજે ૧૦૦ વીઘા કરતા પણ વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. તળાવની આજુબાજુ વૃક્ષારોપણ કરવાથી ગામમાં વૃક્ષોની સંખ્યા પણ વધારો થશે. આ ભગીરથ કાર્યમાં ગામ લોકોનો પણ ખૂબ જ સાથ અને સહકાર રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસે ગામલોકો પણ વૃક્ષારોપણ કરવા માટે આતુર છે.
વધુમાં વૃક્ષારોપણ અને તળાવ ઉંડુ થવાથી ગામને થનાર ફાયદાઓ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરવામાં આવશે અને તેના થકી પાણીના જળ સ્તર પણ ઉંચા આવશે. આમ આ માટે જળસંચયની કામગીરી ખૂબ જ અનિવાર્ય છે. જેથી ગામના લોકો અને ૫શુઓ માટે ભવિષ્યમાં પણ પાણીની તંગી ન રહે. તળાવ ઉંડા કરતાં તેમાંથી નીકળતી માટીનો પણ ગામલોકો વિવિધ પ્રકારે તેને ઉપયોગમાં લઈ શકશે. ૫શુઘનને પણ ચોમાસા સિવાયની ઋતુમાં ૫ણ પીવાનું પાણી ઉ૫લબ્ઘ કરાવી શકાશે. આમ વઢવાણ તાલુકાના કટુડા ગામની જેમ સમગ્ર જિલ્લામાં જો વૃક્ષારોપણ કરવામાં આવે તો વિશ્વને ગ્લોબલ વોર્મિંગ જેવી અનેક સમસ્યાઓ માંથી ઉગારી શકાય.