ટંકારા ના ઉગમણા નાકા બહાર સરકારી ખરાબામાં દબાણો દુર કરાવવા માલધારી સમાજની રજૂઆત
(શ્રીકાંત પટેલ મોરબી)
મોરબી જિલ્લામાં ટંકારા તાલુકા મથક ટંકારા ગામના ઉગમણા નાકા બહાર સરકારી ખરાબામાં દબાણ કરી તેનો કેટલાંક શખ્સોએ કોમર્શીયલ ઉપયોગ કરતા હોય સરકારી જમીન ઉપરના દબાણ દૂર કરાવવા સમસ્ત માલધારી સમાજે ટંકારા મામલતદારને આવેદન પાઠવ્યું છે.
સમસ્ત માલધારી સમાજ ટંકારા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે ટંકારાના ઉગમણા નાકા બહાર સરકારી ખરાબામાં દબાણ કરી કોમર્શીયલ ઉપયોગ કરાઈ રહ્યો છે. ટંકારા-અમરાપરનો અહી મારગ હતો જ્યાં પીવાના પાણીની ટાંકી હતી. તેમજ સાધુ સમાજના અગ્રણીની સમાધિ અને કેટલાક પાળિયા હતા જે બધાને કવર કરી લોકોએ વાડી બનાવી છે. તેનો કોમર્શીયલ ઉપયોગ કરે છે. સરકારી ખરાબાની જમીનમાં આર્થિક ઉર્પાજન કોના ખિસ્સામાં જાય છે ? સવાલ ઉઠાવ્યો છે.
ઉપરાંત વોરા સમાજના કબ્રસ્તાન પાસે મોટો વંડો બનાવી દબાણ કરવામાં આવ્યું છે જેની સામે તંત્ર મૌન છે. જયારે આ જ લોકો માલધારીઓના વાડા હટાવવા અરજી કરી તણાવ ઉભો કરવા માંગે છે. માલધારીઓના વાડા બાપ દાદા વખતના છે. માલધારી સમાજ અજ્ઞાની અને અભણ હોય જેથી વાડા ગામના રજીસ્ટરમાં ચડાવેલ છે કે નહિ તેની ખબર નથી. ટંકારા માં માલધારી વસાહત મંજુર થઇ છે પરંતુ તેની હાલ શું સ્થિતિ છે? તેની કોઈ જાણ નથી એક તરફ ગૌચર દબાણો થયા છે અને માલઢોરનું ચરિયાણ રહ્યું નથી. માલઢોરને વાડામાં પૂરી રાખવા પડે છે તો ગામના કેટલાક લોકો વાડાનો વિરોધ કરી ટંકારાનું શાંત વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે જેથી તટસ્થ તપાસ કરી ન્યાય આપવા માંગ કરી છે. અહી એ જણાવી દઈએ કે સરકારી ખરાબાની જમીન પર પેશકદમી દુર કરાવવાની જેતે મામલતદાર ની છે અને ગૌચર ની જમીન માં દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયત થી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની છે. એટલે સરકારી ખરાબો હોય કે ગૌચરની જમીન હોય તેનાં ઉપરનાં દબાણો દૂર સુઓમોટો કરવાં જોઈએ પણ નથી કરતા એટલે જ લોકો હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરીને દાદ માંગે છે. હજું બે ત્રણ દિવસ પહેલા જ ચકમપર ગામે ગૌચરની જમીનમાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત દ્વારા દબાણ દુર કરાવ્યું છે.