શહેરમાં ટ્રાફિક પોલીસે વધુ એક વ્યક્તિનો જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ટેક્સીમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિને છાતીમાં દુઃખાવો ઉપડતાં તેને ટ્રાફિક પોલીસના જવાનોએ તાત્કાલિક CPR આપ્યો હતો. ત્યારબાદ 108ની મદદથી આ વ્યક્તિને યુ.એન. મહેતા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે મોકલી આપ્યો હતો.
હોસ્પિટલમાં દર્દીને અડધી કલાક જેટલા સમયની સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની મદદથી એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ વ્યક્તિ મહારાષ્ટ્રથી અમદાવાદ પરિવાર સાથે આવ્યો હતો.
ટ્રાફિકના જવાનોએ ઢળી પડેલા વ્યક્તિને CPR આપ્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહારાષ્ટ્રથી એક દંપતી તેમના નાના બાળક સાથે અમદાવાદ આવ્યું હતું. એરપોર્ટ પાસેની એક હોટેલમાં રોકાયું હતું. તેઓ હોટેલથી કોઈ કામ અર્થે બહાર જવા માટે એક ખાનગી ટેક્સીમાં બેઠા હતાં અને કાલુપુર રેલવે સ્ટેશન તરફના રોડ પરથી પસાર થતાં હતાં. આ દરમિયાન પુરૂષને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો.
ટ્રાફિક પૂર્વેની કચેરીએ સ્ટેન્ડ ટુ ફરજ દરમિયાન રેલવે સ્ટેશન આગળથી પસાર થતી વખતે અચાનકથી તબિયત ખરાબ થતાં બેભાન થયેલ નાગરિકને હાજર ADI નરેન્દ્રભાઇ અને રિઝવાન ભાઈ તેમજ TRB મદારસિંહ એ CPR આપી શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ કરાવી અને અન્ય સ્ટાફ એ 108 બોલાવી તાત્કાલિક હોસ્પિટલ મોકલેલા 👇👇 pic.twitter.com/cayzIE3KDv
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 7, 2023
મહિલાએ તેના પતિને દુઃખાવો થતો હોવાની જાણ કરતાં જ ટેક્સી ચાલકે ટ્રાફિક પૂર્વ ડીસીપીની ઓફિસની સામે સવારી રોકી દીધી હતી. આ દરમિયાન જે વ્યક્તિને દુઃખાવો થતો હતો તે ટેક્સીમાંથી બહાર નીકળતી વેળાએ ઢળી પડ્યા હતાં.
તેને જોઈને પત્ની અને બાળક ગભરાઈ ગયા હતાં. આ દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો ત્યાં દોડી ગયા હતાં અને ઢળી પડેલા વ્યક્તિને CPR આપ્યું હતું. ત્યાર બાદ વ્યક્તિની શ્વાસો શ્વાસની ક્રિયા શરૂ થઈ ગઈ હતી.
CPR આપીને અનેક લોકોના જીવ બચાવ્યા
ટ્રાફિકના જવાનોએ 108ને ફોન કરતાં જ 108 ઘટનાસ્થળે આવી ગઈ હતી અને આ વ્યક્તિને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતાં. જ્યાં હોસ્પિટલમાં તેની અડધી કલાકની સારવાર બાદ રજા આપી દેવાઈ હતી.
આ વ્યક્તિને ભાન આવ્યું ત્યારે તેની પત્નીને રાહત થઈ હતી. આ પરિવારે અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો. અમદાવાદના ટ્રાફિક જવાનોએ અગાઉ પણ આ પ્રકારે CPR આપીને અનેક લોકોના જીવ બચાવ્યા છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8