- લુણાવાડા વાસ્મો કચેરીમાં વિજીલન્સ ટીમે એમ.બી.માં લાલ પેનથી રીમાર્કસ કરીને વાસ્મોના નાણાંકીય એકાઉન્ટને ફ્રીઝ કર્યુ.!!
- દાહોદ જિલ્લામાં નલ સે જલ યોજનાની વિરોધાભાસી હકીકતો સામે હવે નવેસરથી તપાસો થાય એવા સંકેતો…..
@મોહસીન દાલ, ગોધરા
મહીસાગર જિલ્લામાં સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનાના કામોમાં ભારે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આ ચકચાર ભર્યા કૌભાંડમાં કસૂરવાર લુણાવાડા “વાસ્મો” કચેરીના યુનિટ મેનેજર એ.જી.રાજપરા અને ૬ ટેક્નિકલ આસિસ્ટન્ટોને સસ્પેન્ડ કરવાના ગાંધીનગરના આદેશો સાથે તપાસોમાં આવેલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વિજીલન્સ ટીમના સત્તાધીશ દ્વારા નલ સે જલ યોજનાઓના કામોમાં ગેરરીતિઓ આચરનાર અને નાણાંકીય ચૂકવણાઓ માટે તૈયાર કરવામાં આવેલ એમ.બી.(મેજરમેન્ટ બુકો) માં લાલ કલરથી રીમાર્ક્સ મારીને લુણાવાડા “વાસ્મો” કચેરીના નાણાંકીય બેન્ક એકાઉન્ટને સીઝ કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. એટલા માટે કે સત્તાધીશો વચ્ચેના આ આંતરીક પૂર્વગ્રહની લડાઈઓમાં લુણાવાડા “વાસ્મો” કચેરીનું બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવતા નલ સે જલ યોજના માટે મટેરીયલ્સ સપ્લાય કરતા વ્યાપારીઓના નાણાં ફસાઈ ગયા હોવાની દહેશતો ક્રમશઃ બહાર આવી રહી છે.
જો કે ગોધરા સ્થિત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની સર્કલ ઓફિસના તાબા હેઠળ મહીસાગર બાદ આદિવાસી દાહોદ જિલ્લામાં પણ નલ સે જલ યોજનાની કામગીરીઓમાં ગોબચારી કરીને કરોડો રૂપિયાના કૌભાંડને આકાર આપનાર અંદાઝે ૧૩ ઉપરાંત ઈજારદાર એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવાના દાહોદ વાસ્મો કચેરીના યુનિટ મેનેજરના સપાટાને પગલે હવે દાહોદ જિલ્લામાં નલ સે જલ યોજનાની પુનઃ નવેસરથી વિજીલન્સ તપાસોના ભણકારાઓ દેખાઈ રહયા છે. એમાં કહેવાય છે કે દાહોદ વાસ્મો કચેરીમાં યુનિટ મેનેજરો તરીકે ફરજો બજાવીને બદલીઓ સાથે વિદાય થયેલા આ સત્તાધીશો એ ભૂતકાળમાં નલ સે જલ યોજનાની કામગીરીઓ સંતોષકારક હોવાનો તપાસ અહેવાલ સરકારને સુપ્રત કર્યો હતો. આજ દાહોદ વાસ્મો કચેરીમાં યુનિટ મેનેજરે ૧૩ ઈજારદાર એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરતા દાહોદ જિલ્લામાં નલ સે જલ યોજનામાં ભારે વિરોધાભાસ સર્જાયો છે.!!