@sachin pithva, surendranagar
સુરેન્દ્રનગર જિલ્લામાં ૫ સપ્ટેમ્બરના રોજ ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કાર્યક્રમમાં મુળી તાલુકાની શેખપર પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા તુષારભાઈ હાલાણીને ‘શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તુષારભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સમાજ ઘડતરમાં શિક્ષકનો ફાળો સવિશેષ હોય છે. સમાજના દરેક ક્ષેત્રમાં શિક્ષિત વ્યક્તિઓની જરૂરિયાત અનિવાર્ય બની ગઈ છે. આવા સમયે પોતે જેને શિક્ષણ આપ્યું હોય એવા વિદ્યાર્થીઓ આજે અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાની ફરજ સુપેરે નિભાવી રહ્યા હોય એ જાણીને શિક્ષકને ખૂબ આનંદ થાય.
ગુરુ કરતા શિષ્ય ચડીયાતો હોય છે…. આ કહેવતને મારા વિદ્યાર્થીઓએ સાર્થક કરી છે કારણકે મારી પાસેથી અભ્યાસ કરી ગયેલ બાળકોમાંથી એક વિદ્યાર્થી એમ.બી.બી.એસ. ડોકટર અને એક ડેન્ટીસ્ટ બની ગયા છે અને એક વિદ્યાર્થીનો બી.એચ.એમ.એસ.માં અભ્યાસ ચાલુ છે. ત્રણ વિદ્યાર્થીઓ એન્જીનીયર છે. ચાર વિદ્યાર્થીઓ એસ.આર.પી. છે. બે વિદ્યાર્થીઓ તલાટી, બે વિદ્યાર્થીઓ શિક્ષક તથા અસંખ્ય વિદ્યાર્થીઓ સમાજોપયોગી કાર્યોમાં યોગદાન આપી રહ્યા છે. આ બધા વિદ્યાર્થીઓની પ્રગતિને જોઈને ખૂબ આનંદનો અનુભવ કરું છું.
રૂ.૬૦,૦૦૦થી વધુ રકમના ખર્ચે શાળાના બિલ્ડિંગનું રીનોવેશન કરાવવામાં તુષારભાઇનો વિશેષ ફાળો
ઋષિ પરંપરાના સમયે શિષ્યો વૃક્ષ નીચે બેસીને પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ ગ્રહણ કરતા હતા. પરંતુ હાલમાં આધુનિક યુગમાં મારા વિદ્યાર્થીઓ અદ્યતન ટેકનોલોજી સાથે શિક્ષણ મેળવે તે માટે મે બીડું ઝડપ્યું. હાલમાં હું મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છો પરંતુ આ શાળાના પ્રિન્સીપાલ તરીકેના મારી ફરજના સમયગાળા દરમિયાન નળિયાવાળી મારી આ શાળાને મેં એક નવો ઓપ આપ્યો. રૂ.૬૦,૦૦૦થી વધુ રકમના સ્વખર્ચે મેં શાળાનું રીનોવેશન કરાવ્યું છે. શિક્ષણ ઉપયોગી ચિત્રો જેવા કે, ગણિતના વિવિધ સાધનોના ચિત્રો, વિજ્ઞાન પ્રયોગશાળામાં ઉપયોગી સાધનોના ચિત્રો, પ્રેરણાદાયી નેતાઓના ફોટા સહિતના ચિત્રો ભીંતો પર દોરાવ્યા. આ ચિત્રોએ મારી શાળાને જીવંત કરી દીધી કારણ કે બાળકો ભીંતો પર દોરેલા ચિત્રોનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવી રહ્યા છે.
વિશેષ તુષારભાઇએ ગુણોત્સવ-8, વર્ષ – 2018માં શૈક્ષણિક મૂલ્યાંકનમાં 8.83% એટલે કે A+ ગ્રેડ મેળવેલ છે.
ખરેખર સમાજ ઘડતરમાં શિક્ષકનો ફાળો સવિશેષ રહેલો છે. શૈક્ષણિક કાર્ય સાથે સમાજ ઉપયોગી સેવામાં કાર્યરત તુષારભાઈએ સંદેશો આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ થકી સમાજ ઉજળો છે, માટે દરેક વ્યક્તિએ શિક્ષણ અવશ્ય મેળવવું જોઈએ અને સમાજમાં યથાયોગ્ય યોગદાન આપવું જોઈએ
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8