આફ્રિકન દેશ આઈવરી કોસ્ટમાં બે ભારતીય યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ: ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જાણકારી આપી
આફ્રિકન દેશ આઈવરી કોસ્ટમાં બે ભારતીય યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલ અનુસાર બંનેની ઓળખ સંજય ગોયલ અને સંતોષ ગોયલ તરીકે થઇ હતી. તેઓ ઈથિયોપિયાના માર્ગે ભારતથી આઈવરી કોસ્ટ જઈ રહ્યા રહ્યા. બંને આઈવરી કોસ્ટના આબિદજાન શહેરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
મૃતકોના પરિજનોએ શું કહ્યું?
મૃતકોના પરિવારજનોનું કહેવું છે કે સંજય અને સંતોષને કોઈ કારણોસર ઈથિયોપિયામાં વિમાનમાંથી ઉતારી દેવાયા હતા. તેના બાદથી તેમનો સંપર્ક થઇ શકી રહ્યો નહોતો. આઈવરી કોસ્ટમાં આવેલા ભારતીય દૂતાવાસનું કહેવું છે કે અમે પીડિતોના પરિવારની પડખે છીએ અને તેમને દરેક સંભવ મદદ કરીશું. આ મામલે તપાસને ઝડપી બનાવવા માટે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.
ભારતીય દૂતાવાસે કરી ટ્વિટ
આ મામલે ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે આબિદજાનમાં બે ભારતીય નાગરિકો મૃત હાલતમાં મળી આવ્યા છે. સ્થાનિક પોલીસના જણાવ્યાનુસાર આ મામલે તપાસ ચાલી રહી છે. દૂતાવાસ તરફથી મૃતકોના પરિજનોને દરેક સંભવ મદદ આપવામાં આવી રહી છે. તપાસને ઝડપી બનાવવા પ્રયાસો કરી દેવાયા છે.