- હાલોલ નગર પાલિકામાં માનસિક ત્રાસ અનુભવતા ૨૫થી વધારે કર્મચારીઓ અઢી દિવસની માસ સી.એલ.પર ઉતરવાની ચીમકીઓના પગલે વહીવટી માહૌલ ગરમાયો.!!
મોહસીન દાલ , ગોધરા
હાલોલના ખોરંભે ચડેલા વિકાસના કામો અને શહેરની સ્વચ્છતા અને સુંદરતાઓ માટે પરસેવો પાડીને કામો કરતા સફાઈ કર્મચારીઓથી લઈને ચીફ ઓફિસરને બાદ કરતા તમામ વિભાગના કર્મચારીઓ હાલોલ નગર પાલિકાના વહીવટદાર અને હાલોલના પ્રાંત અધિકારી મયુર પરમારના માનસિક હેરાનગતિઓ કરતા વહીવટી અહમના દબાણને લઈને આજ બપોર બાદ અચાનક અઢી દિવસના માસ.સી.એલ. ઉપર ઉતરી રહ્યા હોવાની લેખિત જાણ હાલોલના ચીફ ઓફિસરને કરીને વહીવટદાર સામે ગંભીર આક્ષેપો કરતા જોત જોતામાં હાલોલ પાલિકા તંત્રના વહીવટી તંત્ર સમેત ઉચ્ચ વહીવટી સત્તાધીશોમાં પણ માહૌલ ગરમાયો હતો.
હાલોલ નગર પાલિકાના વહીવટદાર તરીકે છેલ્લા કેટલાય સમયથી હાલોલના પ્રાંત અધિકારી મયુર પરમારની નિમણુંક કરવામાં આવી છે.જેને લઈને હાલોલ પ્રાંત કચેરીના વહીવટ સહિત હાલોલ નગર પાલિકાની કચેરીનો વહીવટ પણ તેઓના હસ્તક છે.જેમાં આજરોજ હાલોલ નગર પાલિકા કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ પ્રાંત અધિકારી કમ નગર પાલિકા વહીવટદાર દ્વારા વહીવટના સૂત્રો હાથમાં આયા પછી નગર પાલિકાના કર્મચારીઓને માનસિક રીતે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરી વહીવટદારના વિરોધમાં વિવિધ આક્ષેપો સાથેનો એક પત્ર લેખિત અરજી સ્વરૂપે તૈયાર કરી હાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરને આ લેખિત પત્ર અરજી સ્વરૂપે પાઠવી હાલોલ નગર પાલિકાના તમામ કર્મચારીઓ અઢી દિવસની માસ સી.એલ પર ઉતરી જતા નગર ખાતે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. અને હાલોલના વહીવટીતંત્રની ગલીયારીઓમાં ગરમા ગરમ ચર્ચાઓ ઉઠવા પામી હતી.
જેમાં સ્થાનિક હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત રાજ્યના મુખ્યમંત્રીના સચિવ, કમિશનર નગર પાલિકાઓ ગાંધીનગર, પંચમહાલ જિલ્લા કલેકટર, પ્રાદેશિક કમિશનર કચેરી નગર પાલિકાઓ વડોદરા, તેમજ અખિલ ગુજરાત નગર પાલિકા કર્મચારી મહામંડળને આ અરજી ફરિયાદ સ્વરૂપે પાઠવેલ પત્રની નકલ રવાના કરી પોતાનું દર્દ પત્રમાં ઠાલવવામાં આવ્યું છે. આ પત્રમાં નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા વહીવટદાર પર કરાયેલ આક્ષેપ પ્રમાણે હાલોલ નગર પાલિકા ખાતે નિમાયેલા વહીવટદારના હાથમાં જ્યારથી નગર પાલિકાનું શાસન આવ્યું છે ત્યારથી દરેક મીટીંગો નગર પાલિકા કચેરીની બહાર કરાય છે અને નગર પાલિકા અધિનિયમની કલમ ૫૧(૪) નો સરેઆમ ભંગ કરવામાં આવે છે. જ્યારે કર્મચારીઓ પાસે પોતાના અંગત વ્યક્તિગત કાર્યો કરાવવામાં આવે છે તેમજ વહીવટદારની ઈચ્છા પ્રમાણે કર્મચારીઓને ધમકાવવામાં આવે છે તેમજ નોટીસો પાઠવવામાં આવે છે અને તેમની પાસે સત્તા ન હોવા છતાં બરતરફ કરે છે જેમાં નગર પાલિકાના બે ઇજનેરો સામે પણ આ પ્રકારની કાર્યવાહીની દહેશત હાલમાં ઉભી છે. જેનો પણ ઉલ્લેખ આ પત્રમાં કરાયો છે. જ્યારે પોતાના ઘરે બે સફાઈ કામદારોને સફાઈ કામ માટે મૂકવામાં આવ્યા છે અને પોતાના ઓફિસનું એ.સી. પણ નગર પાલિકાના ખર્ચે રીપેર કરાવવા સહિત પોતાની ગાડીમાં. નગર પાલિકાના ખર્ચે ડીઝલ પુરાવવા માટે કહેવામાં આવે છે અને આ અંગે કર્મચારી ના પાડે તો નોટીસ આપવાની ધમકી આપવામાં આવતી હોવા સહિતનો મનસ્વી વ્યવહાર કરી માનસિક ત્રાસ આપતા હોવાના વિવિધ આક્ષેપો કરાયા છે. જેને લઇને માનસિક રીતે ત્રસ્ત થયેલા હાલોલ નગર પાલિકાના હંગામી, રોજમદાર ફિક્સ પગાર, અને કરાર આધારીત તમામ કર્મચારીઓ આજરોજ બપોરના એટલે કે તા.૦૩/૦૭/૨૦૨૩ થી તા.૦૫/૦૭/૨૦૨૩ સુધી અઢી દિવસની માસ સી.એલ પર ઉતરી ગયા છે. જેમાં વહીવટદારના મનસ્વી વ્યવહારથી ત્રસ્ત થઈ ત્રાસેલા કર્મચારીઓ નગર પાલિકાના મુખ્ય અધિકારીને પત્ર પાઠવી વહીવટદાર દ્વારા કરાતા માનસિક ત્રાસનો ઉલ્લેખ કરીને અઢી દિવસના માસ સી.એલ.ઉપર ઉતરી જતા આ મુદ્દે નગરમાં તરેહ તરેહની ચર્ચાઓમાં ગોઠવાયો છે.!!