Loksbha election : લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે ગુજરાતમાં શિસ્તબદ્ધ કહેવાતી ભાજપમાં પણ વિરોધના સુર છે. ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. પોતાનું રાજીનામું વિધાનસભના અધ્યક્ષને સોંપ્યું છે.
વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. સોમવારે મોડી રાતે તેમણે રાજીનામું આપ્યું છે જો કે વિગતો મુજબ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજીનામું સ્વીકાર્યું નથી. તેમણે રાજીનામું આપતા જણાવ્યુ છે કે, અંતર આત્માને માન આપીને રાજીનામું આપ્યું છે.
ભાજપે લોકસભા ચૂંટણી માટે બે યાદી જાહેર કરી છે જેમાં વડોદરામાં રંજનબેનને ટિકિટ મળતા જ શહેર અને જિલ્લા ભાજપમાં નારાજગી જોવા મળી હતી. રંજનબેનને ટિકિટ મળતા વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન નારાજ થયા હતા. જો કે ભાજપને તેને સસ્પેન્ડ કરી દીધા હતા. કોંગ્રેસના નેતાઓની ભાજપમાં ભરતીથી કેતન ઈનામદારે નારાજ થઈને રાજીનામું આપી દીધાની પણ ચર્ચા થઈ રહી છે.
કેતન ઈનામદારે એક લાખથી વધુ મત મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે આ બેઠક પર કેતન ઈનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 65,078 જ્યારે આપના વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા મત મળ્યા હતા.