Independence Day 2023 Special: દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. જ્યારે પણ દેશની આઝાદીની વાત આવે એટલે સૌથી પહેલા આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્રતા સેનાનીઓ અને તેમના બલિદાન યાદ આવે છે. ભારતીય આઝાદીનો ઇતિહાસમાં કેટલાય ગુમનામ વીરો અને વીરાંગનાઓથી ભરેલો છે. આજે આપણે આવી જ એક મહિલા વીરાંગના વિષે વાત કરીશું. જેને પોતાના ઘાયલ પતિ કરતા દેશના તિરંગાને વધુ મહત્ત્વ આપ્યું હતું. તે વીરાંગના હતા તારા રાની શ્રીવાસ્તવ. જો કે આ નામ કોઈ એ કદાચ સાંભળ્યું પણ નહિ હોય. તેમની બહાદુરીનો ઉલ્લેખ ક્યાંય નથી. તેમના પતિ ઘાયલ થયા પછી પણ તેઓ પાછળ હટ્યા ન હતા અને તેમનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો. આવો જાણીયે તેમના વિષે વિસ્તારથી….
બિહારમાં જન્મેલા, નાની ઉંમરે લગ્ન કર્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, તારા રાનીનો જન્મ બિહારના સારણમાં થયો હતો. નાની ઉંમરમાં તેના લગ્ન ફુલેન્દુ બાબુ સાથે થયા હતા. તે સમયે ફુલેન્દુ બાબુ સ્વતંત્રતા સેનાની હતા. તે દિવસોમાં તેઓ અંગ્રેજો વિરુદ્ધ સરઘસ કાઢતા હતા. મહાત્મા ગાંધીને ખૂબ માન આપતા હતા. તેમના ઉપદેશોનું પાલન કરતા હતા. આ જ કારણ હતું કે તારા રાની શ્રીવાસ્તવને તેના પતિ પાસેથી જ આઝાદીની લડતમાં ઝંપલાવવાની પ્રેરણા મળી હતી.
તારા રાણી શ્રીવાસ્તવની અંદર દેશની આઝાદી માટે મારી છૂટવાની પ્રબળ ઈચ્છાઓ હતી. જો કે તે સમયે મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો હતા. પરંતુ તારા રાની શ્રીવાસ્તવે આ તમામ પ્રતિબંધોને બાજુ પર મૂકી દેશની આઝાદી માટે પ્રયાણ કર્યું. આમાં તારા રાનીને તેના પતિ ફૂલેન્દુ બાબુનો સાથ મળ્યો. આ બાબતે તેમનો વિચાર અલગ હતો. તારા રાનીએ ઘણી મહિલાઓને પોતાની સાથે એકઠી કરી, અને દેશની આઝાદીની લડતમાં સાથ આપવા પ્રોત્સાહિત કર્યા હતા. અને મહાત્મા ગાંધીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
પોલીસ સ્ટેશન પર તિરંગો ફરકાવવાનો પ્રયાસ
તારા રાની શ્રીવાસ્તવ 1942ના ભારત છોડો આંદોલન સાથે સંકળાયેલા હતા. તારા રાની અને તેમના પતિ ફુલેન્દુ બાબુ, જેઓ મહાત્મા ગાંધીની ટીમનો ભાગ હતા, વિવિધ વિરોધ પ્રદર્શનો અને સરઘસોમાં સામેલ થયા. 12 ઓગસ્ટ 1942ના રોજ, તારા રાનીના પતિ ફુલેન્દુ બાબુએ એક સરઘસ કાઢ્યું. સિવાનના પોલીસ સ્ટેશનમાં ત્રિરંગો ધ્વજ ફરકાવવાની યોજના હતી. આઝાદી ખાતર ભેગી થયેલી આ ભીડને રોકવી અંગ્રેજો માટે બહુ કપરું કામ હતું. ભીડથી પરેશાન થઈને અંગ્રેજ અધિકારીઓએ નિઃશસ્ત્ર લોકો પર લાઠીચાર્જ અને ગોળીબાર શરૂ કર્યો. ફુલેન્દુ બાબુ અંગ્રેજોની ગોળીઓથી ઘાયલ થયા હતા.
ઘાયલ પતિને જોઈને પણ ના ડગ્યો જેનો વિશ્વાસ
તારા રાની શ્રીવાસ્તવની સામે એક તરફ ઘાયલ પતિ હતા. તો બીજી બાજુ તિરંગો લહેરાવવાનું લક્ષ્ય હતું. તે સમય તારા રાની માટે ઘણો મુશ્કેલ સમય હતો. તારા રાનીએ સાડીનું કપડું ફાડીને ફૂલેન્દુ બાબુને બાંધી આપ્યું. આ પછી, પોતાના ઘાયલ પતિને એજ અવસ્થામાં છોડીને, હૃદય પર પથ્થર મૂકીને આગળ વધ્યા. અને સિવાન પોલીસ સ્ટેશનમાં ત્રિરંગો ધ્વજ લહેરાવીને જ જંપ્યા હતા. ત્રિરંગો લહેરાવી જયારે તેઓ પાછા આવ્યા ત્યાં સુધીમાં તેમના પતિ ફુલેન્દુ બાબુનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પતિના મૃત્યુ પછી પણ તારા રાણી શ્રીવાસ્તવે દેશ માટે આઝાદીના ધ્યેયને જીવંત રાખ્યો હતો. 5 વર્ષ બાદ દેશને આઝાદ કરીને તારા રાનીએ અંતિમ શ્વાસ લીધા. આજે પણ દેશ તેમના યોગદાન પર ગર્વ અનુભવે છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8