લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામા મોટો રાજકીય ઉલટફેર થયો છે. મંગળવાર બપોરે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિત પુરી કેબિનેટે રાજીનામું આપી દીધુ હતું અને સાંજ સુધી નાયબસિંહ સૈનીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હરિયાણામાં સાચા ચાર વર્ષથી ભાજપ અને JJP ગઠબંધનની સરકાર ચાલતી હતી. સીટ શેરિંગની વાત ના બની તો ગઠબંધન તૂટી ગયું હતું.
હવે સવાલ છે કે હરિયાણામાં કેટલાક મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ભાજપનો આ મોટો દાંવ દરેક કોઇને ચોકાવી રહ્યો છે. જોકે, ભાજપના ખાતામાં કેટલાક એવા ચોકાવનારા રેકોર્ડ પણ છે જ્યારે પાર્ટીએ ચૂંટણી પહેલા કેટલાક રાજ્યમાં મુખ્યમંત્રી બદલ્યા ત્યાં જીત મેળવી અને સરકારમાં પરત ફર્યા હતા.
ગુજરાતમાં પણ મુખ્યમંત્રી બદલ્યા અને ભાજપને મળી જીત
ભાજપે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી બદલ્યો હતો અને ચૂંટણીમાં જીત મેળવી હતી. ત્રિપુરામાં મુખ્યમંત્રી બદલ્યા અને ચૂંટણી જીતીને આવી હતી. ઉત્તરાખંડમાં તો 2-2 મુખ્યમંત્રી બદલવામાં આવ્યા હતા અને ભાજપ જીતી ગયું હતું. જોકે, કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલ્યો પરંતુ ભાજપ જીતી શક્યું નહતું. હવે હરિયાણામાં મુખ્યમંત્રી બદલી નાખ્યો છે. એવામાં આગળ શું થશે? શું ભાજપ પોતાના જૂના રેકોર્ડને બદલી શકશે?
કર્ણાટકમાં ખોટો સાબિત થયો નિર્ણય?
કર્ણાટકમાં 2023માં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી અને સત્તા પર રહેલી ભાજપને હાર મળી હતી. રાજ્યમાં કોંગ્રેસે સરકાર બનાવી હતી. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પહેલા ભાજપે મુખ્યમંત્રી બદલી નાખ્યો હતો. ભાજપે જુલાઇ 2021માં કર્ણાટકના તત્કાલીન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને પદ પરથી હટાવ્યા હતા અને મુખ્યમંત્રી પદની જવાબદારી બસવરાજ બોમ્મઇને સોપી દીધી હતી. દક્ષિણના દુર્ગને બચાવવા માટે ભાજપના ટોચના નેતૃત્વએ જોર શોરથી પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી નહતી. કોંગ્રેસે બોમ્મઇ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને તેને મોટો મુદ્દો બનાવી દીધો હતો. આ વચ્ચે યેદિયુરપ્પા સહિત અન્ય મોટા નેતાઓની નારાજગીના પણ સમાચાર સામે આવતા હતા. ભાજપ અહીં ના તો એન્ટી ઇન્કમ્બન્સી શોધી શકી અને ના તો નારાજ નેતાઓને મનાવવામાં સફળ થઇ શકી હતી, જેનો સીધો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો અને જીત મેળવી હતી.
ઉત્તરાખંડમાં કર્યા અનેક પ્રયોગ અને ભાજપ સત્તામાં પરત ફર્યું
મુખ્યમંત્રીનો ચહેરો બદલીને સત્તામાં પરત ફરવાનો ભાજપનો સૌથી સફળ પ્રયોગ ઉત્તરાખંડનો રહ્યો છે. ઉત્તરાખંડમાં ભાજપ નેતૃત્વને અંદાજો થઇ ગયો હતો કે પાર્ટી જોરદાર એન્ટી ઇન્કમ્બન્સીની લહેર સામે ઝઝુમી રહી છે. ભાજપે બે વખત રાજ્યમાં પોતાના મુખ્યમંત્રી બદલ્યા હતા. 2017માં ભાજપે જ્યારે ઉત્તરાખંડમાં ચૂંટણી જીતી તો ત્રિવેન્દ્રસિંહ રાવતને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 2021 આવતા આવતા રાવત વિરૂદ્ધ ધારાસભ્યોનો અસંતોષ વધી ગય હતો જેને કારણે હાઇકમાને રાવતને મુખ્યમંત્રી પદેથી હટાવી દીધા હતા અને 10 માર્ચ 2021માં તીરથ સિંહ રાવતને CM બનાવ્યા હતા. તીરથ સિંહ રાવત સત્તા, જનતા અને તંત્ર પર છાપ છોડવામાં સફળ થઇ શક્યા નહતા અને 4 મહિના બાદ મુખ્યમંત્રી પદેથી તેમની વિદાય થઇ ગઇ હતી. તે બાદ 4 જુલાઇ 2021માં પુષ્કર સિંહ ધામીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. માર્ચ 2022માં ભાજપ પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ચૂંટણી જંગમાં ઉતર્યું હતું અને જીત મેળવી હતી.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે અપાવી સફળતા
ગુજરાત ભાજપની રાજકીય પ્રયોગશાળા રહી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાને કારણે અહીં નાની નાની રાજકીય અને સામાજિક હલચલનું રાષ્ટ્રીય સ્તર પર પ્રભાવ પડે છે, માટે ભાજપ માટે આ રાજ્યની સત્તા ઘણી મહત્ત્વપૂર્ણ છે. 2017માં જ્યારે ભાજપની ગુજરાતમાં સરકાર બની તો વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. રૂપાણીનો કાર્યકાળ ડિસેમ્બર 2022માં પૂર્ણ થઇ રહ્યો હતો પરંતુ ભાજપે માહોલને જોતા વિધાનસભા ચૂંટણી પહેલા સપ્ટેમ્બર 2021માં નેતૃત્વમાં બદલાવ કરી નાખ્યો હતો અને મુખ્યમંત્રી પદની જવાબદારી ભૂપેન્દ્ર પટેલને સોપી દીધી હતી. એક વખત ફરી ભાજપનો આ પ્રયોગ સફળ રહ્યો હતો. ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સફળતા મળી હતી અને ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકમાંથી 156 બેઠક જીતવામાં સફળ રહ્યું હતું.
હવે હરિયાણામાં શું થશે?
સવાલ ઉભો થઇ રહ્યો છે કે જે હરિયાણામાં 2019 લોકસભા ચૂંટણીમાં 10માંથી 10 બેઠક ભાજપ જીતી હતી ત્યા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી કેમ બદલવામાં આવ્યો?
જે હરિયાણામાં ભાજપે ગત વખતે 10માંથી 9 બેઠક 50 ટકા કરતા વધુ મતથી જીતી હતી ત્યા અંતે કેમ મુખ્યમંત્રી બદલવામાં આવ્યો?
આટલું જ નહીં, જ્યાં વિરોધ મુખ્યમંત્રી વિરૂદ્ધ નહતો, જ્યા સરકારને મુખ્યમંત્રી ફેસ પર કોઇ ખતરો નહતો, ત્યા ભાજપે અચાનક મુખ્યમંત્રી કેમ બદલી નાખ્યો? જો મનોહરલાલ ખટ્ટર વધુ 97 દિવસ મુખ્યમંત્રી રહેતા તો હરિયાણાના સૌથી લાંબા કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી બની જાત પરંતુ આ પહેલા તેમની વિદાય થઇ ગઇ. ચર્ચા એવી પણ છે કે જે ખટ્ટરનું કામ પ્રત્યેની લગન પર 24 કલાક પહેલા ખુદ વડાપ્રધાન પ્રશંસા કરતા જોવા મળ્યા હતા તે ખટ્ટર 24 કલાક બાદ પોતાના નજીકના નાયબ સિંહ સૈનીને પોતાની ખુરશી પર બેસવાના આશીર્વાદ આપતા જોવા મળ્યા હતા.
ભાજપે નાયબસિંહ સૈનીને બનાવ્યા હરિયાણાના મુખ્યમંત્રી
ભાજપે નાયબસિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી બનાવ્યા છે. નાયબ સૈની OBC વર્ગમાંથી આવે છે અને હરિયાણામાં સૈની સમાજની વસ્તી માત્ર 2.9 ટકા છે અને આ આંકડાને જોઇે તો એવું લાગશે કે ભાજપે નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવીને ભૂલ કરી છે પરંતુ હકીકતમાં આ ભૂલ નથી પણ આ એક નવી રીતનું સોશિયલ એન્જિનિયરિંગ છે, જેમાં ભાજપે રાજ્યની સૌથી મોટી જાતિના લોકોને ખુશ કરવાની જગ્યાએ અન્ય વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરે છે.