કોરોના કાળમાં સુરતમાં રેમડેસિવર ઈન્જેક્શન ને લઈ ભારે વિવાદ થયો હતો આ ઇન્જેક્શન વિતરણમાં ગેર રીતી આચાર્ય હોવાના પણ આક્ષેપ થયા હતા જેને લઇ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કોર્ટમાં પીઆઈએલ નોંધાવી હતી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ વિરુદ્ધ PIL(જાહેરહિતની અરજી) કરી હતી, આ અરજી હવે પરેશ ધાનાણીએ પરત ખેંચી લીધી હોવાના અહેવાલો આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ રેમડેસિવર ઇન્જેકશનનો જથ્થો દાતાઓએ ખરીદીને સારા હેતુ સાથે વહેંચ્યો હતો. જરૂરિયાતમંદોના કાગળો તપાસીને વિતરણ થયું હતું. ડ્રગ્સ વિભાગના રિપોર્ટ પ્રમાણે હર્ષ સંઘવી કે સીઆર પાટીલની કોઈ ભૂલ નહોતી. ઇન્જેક્શનનું વિતરણ કાયદેસર રીતે કરાયાનું તારણ તપાસમાં બહાર આવ્યું હતું, તેથી પરેશ ધાનાણીએ આ જાહેરહિતની અરજી પરત ખેંચી હોવાનું જાણવા મળે છે.
આ અંગે 2021ની 15 એપ્રિલના એક મીડિયા રિપોર્ટ મુજબ ભાજપ દ્વારા ઈન્જેક્શન વિતરણનો મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સીઆર પાટીલ સામે પરેશ ધાનાણીએ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા રેમડેસિવિરની અનધિકૃત ખરીદી અને ગેરકાયદે વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી હતી.
શા માટે PIL કરી હતી?
ભાજપ દ્વારા 5000 રેમડેસિવર ઈન્જેક્શન ખરીદીને સુરતમાં મફતમાં વહેંચવામાં આવ્યા અંગે ભાજપે જાહેરાત પણ કરી હતી ત્યારે વિવાદ જન્મ્યો હતો. આ મુદ્દે ગુજરાત સરકાર એટલે કે, તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું તો તેમણે પણ એમ જ કહ્યુ હતું કે આ અંગે સરકાર અજાણ છે, સીઆર પાટીલને જ પૂછો કે તેઓ આ ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા?
આ મુદ્દે ઘમાસાણ મચ્યું હતું. જ્યારે સરકાર પાસે પણ રેમડેસિવરનો પૂરતો જથ્થો નથી ત્યારે ભાજપના સીઆર પાટીલ પાસે આ જથ્થો કેવી રીતે આવ્યો અને તેઓ કયા બેઝ પર આ ઈન્જેક્શનની વહેંચણી કરી રહ્યા છે. આ મુદ્દે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. હવે તપાસમાં વિતરણમાં કોઈ વાંધાજનક હકીકત ન જણાઈ આવતાં પીઆઇએલ પાછી ખેંચી લેવામાં આવી છે ત્યારે સમગ્ર વિવાદનો અંત આવી ગયો છે.