◆ પંચમહાલ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રાંત અધિકારી ગોધરાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.
◆ વિવિધ વિભાગના અધિકારીઓને વિશ્વ યોગ દિવસ નિમિત્તે કરવાની થતી કામગીરીની વહેચણી અને હુકમ કરાયા.
@મોહસીન દાલ,ગોધરા
દર વર્ષે ૨૧ જૂનના રોજ દેશભરમાં ધામ ધૂમથી વિશ્વ યોગ દિવસની(yoga day) ઉજવણી કરાય છે.ચાલુ વર્ષે ૨૧ જૂન ૨૦૨૩ના રોજ ૯માં વિશ્વ યોગ દિવસની સમગ્ર રાજ્યમાં જન ભાગીદારી સાથે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે ઉજવણી કરાશે.
પંચમહાલ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે ગોધરા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત ની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીની કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી વિશ્વ યોગ દિવસની ઉજવણી સારું તમામ વ્યવસ્થાઓનું સંચાલન કરવા સૂચનો કરાયા હતા.જેમાં વિવિધ વિભાગના અધિકારીઓને કામગીરીની વહેચણી અને હુકમ કરાયા હતા.
પંચમહાલ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ,ગોધરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે. આઇકોનિક સ્થળ પાવાગઢના મંદિર પરિસરમાં પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ સાથે દરેક શાળા, કોલેજ, આરોગ્ય કેન્દ્રો ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરાશે.તમામ સ્થળોએ સવારે ૬ વાગ્યે યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાશે.
આ બેઠકમાં જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા, જિલ્લા રમત-ગમત અધિકારી મયુરીબેન ઝાલા, કાર્યપાલક ઇજનેર કે.કે.પટેલ, મામલતદાર સહિત વિવિધ ટ્રસ્ટ, સામાજીક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.